મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતે રાજ્યના આંગણવાડી કેન્દ્રોની 53,029 કાર્યકર અને તેડાગર બહેનોને ગણવેશ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમ દરમ્યાન મુખ્યમંત્રી ના વરદ્હસ્તે વિભાગના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ, રાજ્યસ્તરીય શ્રીઅન્ન (મિલેટ્સ) વાનગી સ્પર્ધાના વિજેતાઓને પ્રશસ્તિપત્ર એનાયત તેમજ ‘181 – અભયમ’ અંતર્ગત નવી 42 વાનને ફ્લેગ-ઓફ પણ કરવામાં આવેલ.
મુખ્યમંત્રી દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની મહિલા કલ્યાણકારી યોજનાઓની માહિતી પુસ્તિકા, શ્રીઅન્ન (મિલેટ્સ) વાનગી પુસ્તક અને સ્ટેટ જેન્ડર ઇન્ડેક્ષ રિપોર્ટનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સાઇબર ક્રાઈમ અગેઇન્સ્ટ વિમન અંગેની ફિલ્મ ‘સતર્કતા’ તેમજ મહિલા સશક્તિકરણ અંગેની ફિલ્મ ‘સક્ષમ નારી’નું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન વિવિધ યોજનાઓના લાભનું વિતરણ પણ સંપન્ન થયું હતું.
મુખ્યમંત્રી એ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની સાથોસાથ સામાજિક જવાબદારીઓ અને વ્યવસ્થાને ધ્યાને રાખીને આગળ વધવાની નેમ રાખી છે. તેમણે ઉમેર્યું કે, માનનીય વડાપ્રધાનના દિશાદર્શનમાં મહિલાઓના શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા માટેની ઉત્તમ કામગીરી ગુજરાતમાં થઈ છે.
મુખ્યમંત્રી એ કાર્યક્રમ સ્થળે આયોજિત શ્રીઅન્ન (મિલેટ્સ) વાનગી સ્પર્ધાના નિદર્શન સ્ટોલ્સની મુલાકાત લીધી હતી તેમજ વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનો રસાસ્વાદ પણ માણ્યો હતો.