મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે વિશ્વ મત્સ્યોદ્યોગ દિવસના અવસરે કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ફિશરીઝ દ્વારા આયોજિત ભારતની પ્રથમ ‘ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023’નો સાયન્સ સિટી, અમદાવાદ ખાતે શુભારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીએ કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરશોત્તમ રૂપાલા ઉપરાંત કેન્દ્ર-રાજ્યના મંત્રીઓ, અન્ય મહાનુભાવો તેમજ દેશ-વિદેશથી પધારેલ ફિશરીઝ ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આયોજિત આ સમારોહમાં ‘ઘોલ’ માછલીને ગુજરાતની ‘સ્ટેટ ફિશ’ જાહેર કરી હતી.
મુખ્યમંત્રીએ મત્સ્યોદ્યોગ ક્ષેત્રે ગુજરાતની ઉપલબ્ધિઓની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મત્સ્યોદ્યોગના વિકાસ તેમજ માછીમારોના કલ્યાણ માટેની અનેકવિધ યોજનાઓના કારણે દેશમાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન ‘બ્લ્યુ રિવોલ્યુશન’ આવેલ છે. તેમણે ભારતની પ્રથમ ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સનું ગુજરાતમાં આયોજન કરવા બદલ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરવાની સાથોસાથ આ કોન્ફરન્સ દેશના ફિશરીઝ સેક્ટરને ગ્લોબલ મેપ પર વિશેષ સ્થાન અપાવવામાં સહાયક બનશે તેવો વિશ્વાસ પ્રગટ કર્યો હતો.
મુખ્યમંત્રીએ આ અવસરે આયોજિત મત્સ્યોદ્યોગ ક્ષેત્રે ભારતની ઉપલબ્ધિઓ તેમજ અત્યાધુનિક સાધનો-મશીનરીઝ-સંશોધનો દર્શાવતા પ્રદર્શનનું મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરી વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી.