ભારત ન્યૂઝ 1 અમદાવાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અમદાવાદ ખાતેથી રાજ્યના શ્રમ-રોજગાર મંત્રી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ અંતર્ગત બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારોને વ્યક્તિદીઠ ફક્ત ₹5 માં પૌષ્ટિક ભોજન પૂરું પાડતા 155 નવાં ભોજન વિતરણ કેન્દ્રોનો રાજ્યના 17 જિલ્લાઓમાં શુભારંભ કરાવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રી એ લાભાર્થી શ્રમિકોને સ્વહસ્તે ભોજન પીરસ્યું હતું તેમજ તેમની સાથે ભોજન લઈ શ્રમિકો પ્રત્યેની સંવેદનશીલતાનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના માણસને મુખ્ય પ્રવાહમાં જોડવા માટેના હરહંમેશ પ્રયત્નો કર્યા છે. તેમણે રાજ્યના પ્રત્યેક નાગરિક માટે આવાસ, આરોગ્ય, આવક અને અભ્યાસ એમ ‘ચાર-અ’ સુનિશ્ચિત કરવા બાબતે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.મુખ્યમંત્રી દ્વારા આ પ્રસંગે શ્રમિકોને ઇ-નિર્માણ ઓળખકાર્ડ ઉપરાંત વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળના લાભ-સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.